ગુજરાતી વિચાર વિસ્તાર
ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ વિચાર વિસ્તાર
(1) ન્યાય નીતિ સહુ ગરીબને, મોટાંને સહુ માફ;
વાઘે માર્યું માનવી. એમાં શો ઇન્સાફ !
અહીં કવિ કહે છે કે કાયદા, નીતિમત્તા અને ન્યાયના તમામ નિયમો માત્ર ગરીબ અને નિર્બળ લોકો માટે જ અમલમાં મુકાય છે. જો કોઈ ગરીબ માણસ નાની સરખી ભૂલ કરે તો પણ તેને સજા થાય છે. પરંતુ જે શક્તિશાળી, પૈસાદાર કે પહોંચવાળા ‘મોટા’ લોકો છે, તે ગમે તેટલો મોટો અપરાધ કરે તો પણ સમાજ કે વ્યવસ્થા તેમને સહેલાઈથી માફ કરી દે છે અથવા તેઓ સજામાંથી છટકી જાય છે દાખલા તરીકે, જો વાઘ કોઈ માણસનો શિકાર કરે, તો કોઈ વાઘને પકડીને ઇન્સાફ કે સજા કરવા જતું નથી. વાઘ શક્તિશાળી છે એટલે એના જુલ્મને સહજ માની લેવામાં આવે છે. બરાબર તેવી જ રીતે સમાજમાં સત્તાધીશ કે સબળ વ્યક્તિ ગરીબ કે દબાયેલા માણસ પર ગમે તેટલો અત્યાચાર ગુજારે, છતાં તેની સામે કોઈ પગલાં લેવાતા નથી.
આ પંક્તિઓ આપણને સમજાવે છે કે સાચો ન્યાય એ જ કહેવાય જે અમીર-ગરીબ કે નાના-મોટાના ભેદભાવ વગર દરેક માટે સમાન હોય. જ્યાં સુધી સમાજમાંથી આ બેવડી નીતિ દૂર નહીં થાય, ત્યાં સુધી ગરીબોને સાચો ઇન્સાફ મળી શકશે નહીં.
કાયદો અને ન્યાય સર્વપરી હોવા જોઈએ. શક્તિશાળીને છૂટ અને નિર્બળને સજા આપતી વ્યવસ્થા ન્યાયી નહીં પણ અત્યાચારી કહેવાય.
(2) ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ;
ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ.
આ પંક્તિઓમાં કવિએ જીવનમાં સમય અને તકનું મહત્વ સમજાવ્યું છે. માણસની સંપત્તિ એક વખત ચાલી જાય તો મહેનત અને પ્રયત્નથી તે ફરી મેળવી શકાય છે. તેવી જ રીતે વહાણ એક વખત દૂર ચાલ્યું જાય તો તે ફરી પાછું આવી શકે છે. એટલે ધન-સંપત્તિ કે બીજી ભૌતિક વસ્તુઓ ગુમાઈ જાય તો તેને ફરી મેળવવાની શક્યતા રહે છે.
પરંતુ વીતેલો સમય અને હાથમાંથી નીકળી ગયેલી તક ક્યારેય પાછી આવતી નથી. આજે મળેલો અવસર જો આપણે ગુમાવી દઈએ તો એ જ અવસર ફરીથી મળવો મુશ્કેલ છે. એ જ રીતે મનુષ્યનું જીવન અને ગયેલા પ્રાણ પણ પાછા આવતા નથી. તેથી જીવનમાં મળતી દરેક ક્ષણ અને તકનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
આ પંક્તિઓ આપણને શીખવે છે કે ધન-સંપત્તિ કરતાં સમય અને જીવન વધુ કિંમતી છે. તેથી આળસ કર્યા વિના સમયનો સદુપયોગ કરવો અને મળેલી તકનો યોગ્ય સમયે લાભ લેવો જોઈએ
0 Comments